યુનિવર્સ સાયન્સ ફોરમ વિશે…
યુનિવર્સ સાયન્સ ફોરમની સ્થાપનાઃ રેડિયમના શોધક મહાન વિજ્ઞાની મેડમ ક્યૂરીના સ્મૃતિ દિવસ 4 જુલાઈ, 2015ના રોજ યુનિવર્સ સાયન્સ ફોરમ (USF)ની સ્થાપના કરવામાં આવી હતી.
યુનિવર્સ સાયન્સ ફોરમનો હેતુ અને ઉદ્દેશઃ
યુનિવર્સ સાયન્સ ફોરમ, વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરતું એક સ્વૈચ્છિક (બિન-નફાકારક) ફોરમ છે. જે વિજ્ઞાન, ખાસ કરીને મૂળભૂત વિજ્ઞાન, વૈજ્ઞાનિક અભિગમ અને વિજ્ઞાનના નૈતિક મૂલ્યો માટે પ્રતિબદ્ધ છે. સમાજમાં વ્યાપેલા અંધશ્રદ્ધા, કુરિવાજો, જડતા વગેરે દૂર થાય અને આખા સમાજમાં વૈજ્ઞાનિક વાતાવરણ બને તે માટે વિજ્ઞાનના મૂલ્યોની જાળવણી અને તેનું સંવર્ધન કરવું આજના સમયમાં ખૂબ જરૂરી છે. તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિના આપણા જીવનની કલ્પના કરવી પણ શક્ય નથી. શું આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિના આપણા જીવનની કલ્પના કરી શકીએ? ના, બિલકુલ નહિ. વિજ્ઞાન અને ટેકનોલોજી એ આપણા રોજિંદા જીવનનો આવશ્યક ભાગ છે. માનવ જીવન ઘણી બધી વૈજ્ઞાનિક શોધો અને તકનીકોથી ધન્ય છે. ચાલો આંખો બંધ કરીને કલ્પના કરીએ; સવારે ઉઠવાથી માંડીને રાત્રે સૂવા સુધી…. આપણે વિજ્ઞાન પર કેટલા નિર્ભર છીએ…? આ તમામ વૈજ્ઞાનિક શોધો અને તકનીકો મૂળભૂત વિજ્ઞાનની પેદાશ છે. હવે મૂળભૂત વિજ્ઞાન કોને કહેવાય ? મૂળભૂત વિજ્ઞાન એ સત્ય જાણવાનો માર્ગ છે તથા પ્રકૃતિ અને સમાજના તમામ મૂળભૂત નિયમોને જાણવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સમગ્ર માનવજાતિએ માનવ સમાજના વિકાસ માટે વિજ્ઞાનના મૂળભૂત નિયમો અને તેમના ઉપયોગની શોધમાં ફાળો આપ્યો છે. વિજ્ઞાનના સત્યને જીવંત રાખવા માટે ઘણા વિજ્ઞાનીઓએ તેમનું આખું જીવન સમર્પિત કર્યું હતું, તેઓએ ઘણી યાતનાઓ, જેલવાસનો સામનો કર્યો હતો. આપણે વિજ્ઞાનના ફળનો આનંદ માણીએ છીએ પરંતુ આજે આપણે કોપરનિકસ, બ્રુનો, સર્વેટસ વગેરે જેવા અનેક લોકોના જીવન સંઘર્ષને જાણતા નથી જેમણે વિજ્ઞાન માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. તેથી વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિચારોને લોકપ્રિય બનાવવા માટે તથા વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રુચિ વધે તથા તેઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે યુનિવર્સ સાયન્સ ફોરમ શાળા-કોલેજો અને લોકસમુદાયમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે.
યુનિવર્સ સાયન્સ ફોરમની પ્રવૃત્તિઓઃ
યુનિવર્સ સાયન્સ ફોરમ દ્વારા શાળા-કોલેજોમાં વિજ્ઞાનના પ્રયોગોનું નિદર્શન, મહાન વિજ્ઞાનીઓના જીવન અને તેમની શોધો વિશે ફોટો પ્રદર્શનનું આયોજન કરે છે.
મહાન વિજ્ઞાનીઓના જીવન અને તેમની શોધો પર વાર્તાલાપ/ચર્ચાઓ તથા વિવિધ વિષયો ઉપર સ્પર્ધાઓનું પણ આયોજન કરે છે.
ખગોળવિજ્ઞાનને લોકપ્રિય કરવા માટે ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ગ્રહોની યુતિ, વગેરે જેવી અદભુત ખગોળીય ઘટનાઓ સમયે યુનિવર્સ સાયન્સ ફોરમ ટેલિસ્કોપની મદદથી આકાશદર્શનના કાર્યક્રમોનું આયોજન કરે છે.
ઈ-મેગેઝિન – “વિજ્ઞાન ચેતના”:
યુનિવર્સ સાયન્સ ફોરમ દ્વારા જુલાઈ, 2018થી “વિજ્ઞાન ચેતના” નામનું એક ઈ-મેગેઝિન દર મહિને પ્રસિદ્ધ કરવામાં આવે છે. “વિજ્ઞાન ચેતના” મેગેઝિન બધા માટે તદ્દન નિઃશુલ્ક છે, તેનું કોઈ લવાજમ રાખેલ નથી.